
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા કોળીવાડ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા ગેરકાયદેસર ઓનલાઇન જુગારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે દરોડો પાડી 21 આરોપીઓને ઝડપ્યા છે.
પોલીસે આ કાર્યવાહીમાં 9 કોમ્પ્યુટર-લેપટોપ, 78 મોબાઇલ ફોન, 67 એટીએમ કાર્ડ અને 49 પાસબુક જપ્ત કરી છે. આ ઉપરાંત 19 ખુરશી, 1 ડીવીઆર, 4 સીસીટીવી કેમેરા, 2 સ્માર્ટ ટીવી અને 7 વાઈફાઈ રાઉટર મળી કુલ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ આ જુગાર અડ્ડાનું સંચાલન કરતા હતા. તેઓએ પકડાયેલા આરોપીઓને માસિક પગાર પર નોકરીમાં રાખ્યા હતા. આરોપીઓ લીયન 247, એવીએટર, ડ્રેગન ટાઈગર, કેસિનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઇન ગેમિંગ એપ્લીકેશન દ્વારા જુગાર રમાડતા હતા.
વોન્ટેડ આરોપી અભિષેક યાદવ સમગ્ર ઓપરેશનનું મેનેજમેન્ટ સંભાળતો હતો. ગ્રાહકોને ID-Password આપી જુગાર રમાડવામાં આવતો હતો. જીતેલી રકમ વોટ્સએપ ગ્રુપ મારફતે જાણ કરી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. વાપી ટાઉન પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહી છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
